ગાંધીનગરના સાંતેજ પોલીસ મથક હેઠળ આવતી ઝુંડાલ કેનાલ પર એક યુવકે પત્ની અને સાસરિયાંઓના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આરોપ છે કે મૂળ વિસનગરના રાલીસણા ગામના વતની લક્ષ્મણભાઈ પરમાર (ઉં.વ. 42) એ સાસરી પક્ષના દબાણ અને ટોર્ચરથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું છે.
મૃતકના નાના ભાઈ રાહુલભાઈ રાવતે સાંતેજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, લક્ષ્મણભાઈના લગ્ન વર્ષ 2011 માં સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્ન બાદ પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લા 5 વર્ષથી સાસરીમાં જ રહેવા ગયા હતા. જોકે, સાસરીમાં રહેવા છતાં તેમની પત્ની સુમિત્રાબેન અને સાસુ નર્મદાબેન તેમને શાંતિથી રહેવા દેતા નહોતા. અવારનવાર પૈસાની માંગણી કરી તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા.
ઘટનાની વિગત મુજબ, 23 ડિસેમ્બર, 2025 ના રોજ વિવાદ વધ્યો હતો. આરોપ છે કે સાસરિયાંઓએ લક્ષ્મણભાઈની સાળીઓ અને સાળાઓને બોલાવી તેમની સાથે ગડદાપાટુનો માર માર્યો હતો અને ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપે તો બાળકો જોવા નહીં દઈએ. આ શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં લક્ષ્મણભાઈ રાત્રિના સમયે ઝુંડાલ કેનાલ પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે પોતાના ભાઈને વીડિયો કોલ કરીને રડતા રડતા જણાવ્યું કે,
મારા સાસુ અને પત્ની મને જીવવા દેતા નથી, હું હવે થાકી ગયો છું. આ છેલ્લું ડગલું ભરી રહ્યો છું, મારા બાળકોને તમે સાચવજો.” આટલું કહી તેમણે કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. સાંતેજ પોલીસે આ મામલે પત્ની, સાસુ, બે સાળી અને બે સાળા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે કે કેવી રીતે એક હસતા-રમતા પરિવારનો અંત સામાજિક વિખવાદના કારણે આવ્યો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
